nishphal mahabhinishkramanni gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિષ્ફળ મહાભિનિષ્ક્રમણની ગઝલ

nishphal mahabhinishkramanni gajhal

રિષભ મહેતા રિષભ મહેતા
નિષ્ફળ મહાભિનિષ્ક્રમણની ગઝલ
રિષભ મહેતા

મને સૂર્ય ખૂબ કરગર્યો; બસ તે પછી હું ઘરે ગયો

પડછાયો મુજમાંથી ખર્યો; બસ તે પછી હું ઘરે ગયો...

નહીં રાહ જેવું કશું મળ્યું; હર ડગલું મારું મને નડ્યું

હર ગલીએ હરપળ છેતર્યો; બસ તે પછી હું ઘરે ગયો...

કોઈ રાહ જોઈ ઊઠી ગયું; કોઈ નામ મારું ભૂંસી ગયું

મને કોઈએ નહીં સંઘર્યો; બસ તે પછી હું ઘરે ગયો...

સૂમસામ ફળિયું હતું; એક જાગતું નળિયું હતું

જીવ બાળી બાળી દીવો ઠર્યો; બસ તે પછી હું ઘરે ગયો...

હું હતો ક્યાં તને શું કહું? નહીં ઓળખાયો મને હું!

હું સ્વયં સ્વયંથી બહુ ડર્યો; બસ તે પછી હું ઘરે ગયો...

નહીં હું કશુંય ત્યજી શકું; નહીં અન્યને હું ભજી શકું

મને બુદ્ધ ગૌતમ સાંભર્યો; બસ તે પછી હું ઘરે ગયો...!!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014 (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન