nisbat chhe amaare dhartiithii, tuj swargnun varnan kon kare? - Ghazals | RekhtaGujarati

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?

nisbat chhe amaare dhartiithii, tuj swargnun varnan kon kare?

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?

ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુઃખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક,

મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે?

વિખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન તું રહેવા દે,

પાગલ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે?

વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,

એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ,

જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?

લાગે છે કે સર્જક પોતે પણ કંઈ શોધી રહ્યા છે દુનિયામાં,

દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે!

છે હોઠ ઉપર એક સ્મિત સતત, ને આંખ હસે છે “સૈફ” સદા,

દિલને તો ઘણાં દુઃખ કહેવાં છે, પણ દિલનું નિવેદન કોણ કરે?

સ્રોત

  • પુસ્તક : એજ ઝરૂખો એજ હીંચકો (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : પાંચમી આવૃત્તિ