kaphanni chheDchhaD - Ghazals | RekhtaGujarati

કફનની છેડછાડ

kaphanni chheDchhaD

વલી લાખાણી વલી લાખાણી
કફનની છેડછાડ
વલી લાખાણી

શમા, ના કર પતંગાના જીવનની છેડછાડ,

આગ કંઈ કરતી નથી કો' દી પવનની છેડછાડ.

પુષ્પને ચૂંટનારા, કંટકોનો ખ્યાલ કર,

કંઈક જખ્મી થઈ ગયા કરતાં સુમનની છેડછાડ.

ક્યાંક કહી દેશે થઈ વાચાળ મારી ઉર-કથા,

હ્રદય, રે'વા દેજે તું નયનની છેડછાડ.

બહારમાં મળવાનું દીધું'તું મને એણે વચન,

ખિઝા, કરજે નહીં આજે ચમનની છેડછાડ.

પ્રજળી ઊઠશે દિલનો અગ્નિ, અશ્રુઓ ઊભરી જશે,

તું નયનથી કર નહિ, મારાં નયનની છેડછાડ.

આવતાં તેઓ હશે મળવા મને તો અબઘડી,

મોત! બે પળ ધૈર્ય ધર, ના કર જીવનની છેડછાડ.

જિંદગી આખીય રગદોળાઈ ચાલી ધૂળમાં,

કબ્રની માટી! હવે ના કર કફનની છેડછાડ.

કંઈકના તાજા થશે જખ્મો ફરી આજે 'વલી',

તું કરે કાં વેદના-ભરપૂર કવનની છેડછાડ?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4