nathi talun tutyun, nathi kain ughaDun - Ghazals | RekhtaGujarati

નથી તાળું તૂટ્યું, નથી કૈં ઉઘાડું

nathi talun tutyun, nathi kain ughaDun

અશોકપુરી ગોસ્વામી અશોકપુરી ગોસ્વામી
નથી તાળું તૂટ્યું, નથી કૈં ઉઘાડું
અશોકપુરી ગોસ્વામી

નથી તાળું તૂટ્યું, નથી કૈં ઉઘાડું,

છતાં ધાપ મારી ગયો ધાડપાડુ.

ખબર ના પડે ને કશું ખોઈ બેસું,

હું કાયમ મને રાત-દિવસ જગાડું.

બધે જાળ જળની, છટકશે હવે ક્યાં?

કહો માછલી મનની ક્યાં ક્યાં ભગાડું?

મને ચિત્રના સૂર્યની જેમ ગણવો,

હું નાહક હવે કોઈને નૈં દઝાડું.

તને સૂર સમજી હજી સાચવી છે,

કહેને તને કઈ રીતે હું વગાડું?

હતું ઘોર અંધારું ને મીણનો હું,

અરે! શી રીતે મસાલો લગાડું.

ભર્યું-ભાદર્યું ઘર લૂંટાયું અમારું,

હતું ચોરનું ગામ, ક્યાં રાડ પાડું?

સ્રોત

  • પુસ્તક : અર્થાત્ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અશોકપુરી ગોસ્વામી
  • પ્રકાશક : કવિલોક પ્રકાશન
  • વર્ષ : 1990