nathi phonchyan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નથી પ્હોંચ્યાં

nathi phonchyan

કિસ્મત કુરેશી કિસ્મત કુરેશી
નથી પ્હોંચ્યાં
કિસ્મત કુરેશી

મને લાગે છે કે મારાં તને પૂજન નથી પ્હોંચ્યાં,

નકર મુજ દ્વાર પર કાં તુજ ચરણ પાવન નથી પ્હોંચ્યાં?

જીવન-સંધ્યા સમે પણ રંગત, લાલી છે;

કહ્યું કોણે કે કાયમ કોઈનાં જોબન નથી પહોંચ્યાં?

નજર સામે ઝાકળ રૂપે તારાં અશ્રુ ચળકે છે;

પછી હું કેમ માનું તુજને મુજ ક્રંદન નથી પહોંચ્યાં?

નયન કરતાં હૃદય તુજથી ઘણું નજદીક લાગે છે;

સ્મરણ પ્હોંચીને ઝંપ્યાં તોય તુજ દર્શન નથી પ્હોંચ્યાં.

કોઈની વેણીએ વેરાન સહરાને મહેકાવ્યું,

સુમન પહોંચી ગયાં ત્યાં, જ્યાં હજી ઉપવન નથી પ્હોંચ્યાં.

ખરે થઈ જાત સ્વર્ગે અપ્સરાનાં રૂપ કોડીનાં,

સારું છે કે ત્યાં તુજ રૂપનાં વર્ણન નથી પહોંચ્યાં.

નહીં સમજાય એને ભેદ સાચો રાત્રિ શોભાનો,

તળેટીને શિખરનાં જ્યાં સુધી ચુંબન નથી પહોંચ્યાં.

કહે છે કોણ કે સમદૃષ્ટિ, સાગર, તેં નથી રાખી?

કયા ઓવારે તારાં મસ્ત આંદોલન નથી પ્હોંચ્યાં?

ભરેલી જિંદગાનીમાં નરી કડવાશ બોલે છે,

અમારે કાને તારાં મિષ્ટ સંબોધન નથી પ્હોંચ્યાં.

છે સાક્ષી કારમા ઘાના નિરંતર દૂઝતા જખ્મો,

કે જખ્મી સુધી કોઈનાંય આશ્વાસન નથી પ્હોંચ્યાં.

નથી ત્યાં-ત્યાં પ્રણય-ઉષ્મા, નથી તૃષ્ણા, નથી ચેતન,

હજી ‘કિસ્મત' તણાં જ્યાં-જ્યાં હૃદય-સ્પંદન નથી પ્હોંચ્યાં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4