આજની હાલત! અને આવી અરે
aajnii haalat! ane aavii are
શયદા
Shayada

આજની હાલત! અને આવી અરે?
ભાગ્યરેખા શું દશા લાવી અરે!
કાલ જે મુજ આશરે પળતા હતા,
જાય છે એ આજ છણકાવી અરે!
આવ મસ્તી આવ પાછી આવ તું;
જાય છે ક્યાં મુજને તરસાવી અરે!
બાંય મારી બેલિડા તુ છોડમાં;
રાનમાં ક્યાં જાય રખડાવી અરે?
ભાગ્યના જોનારે કંપીને કહ્યું;
હાથમાં રેખા અને આવી અરે?
એ સમે અંધાર અવનીમાં થયો;
જ્યોત કાં મુજ આંખમાં આવી અરે!
ફાયદો એનાથી ‘શયદા' કંઈ નથી;
શું કરું હું દિલને સમજાવી અરે?



સ્રોત
- પુસ્તક : ચૂંટેલી ગઝલો : હરજી લવજી દામાણી 'શયદા' (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સંજુ વાળા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022