manata bani chhe - Ghazals | RekhtaGujarati

માનતા બની છે

manata bani chhe

મકરંદ દવે મકરંદ દવે
માનતા બની છે
મકરંદ દવે

મુસીબતોની શું વાત કરવી! મુસીબતો સૌ મતા બની છે,

અમારે તમરાં થકી ઘરની ભરીભરી શૂન્યતા બની છે.

તમારી સૂરત રમી રહી'તી નજર નમી તો નજરની સામે,

નજર ઉઠાવી તો એક પળમાં જાણે ક્યાં બેપતા બની છે!

હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,

ફળે તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.

કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મો-સિતમની વાતો?

મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.

અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,

તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.

સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશી-ટીશીએ ટશિયા,

ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશા-લતા બની છે!

કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,

હવે ભિખારણ થઈને ભમતાં બની-ઠની સૂરતા બની છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4