nahi krun - Ghazals | RekhtaGujarati

ચાહીશ કિન્તુ મળવાની ઇચ્છા નહીં કરું

માલા જપીશ, પુષ્પથી પૂજા નહીં કરું.

દુઃખોય સાથે મ્હારો કદી છોડશે નહીં,

પોતીકાંઓને હુંય પરાયાં નહીં કરું.

સૂરજની જેમ હું કદીક આથમી જઈશ;

ઘર-ઉંબરે કે ટોડલે દીવા નહીં કરું.

શ્રાવણમાં સાંપડી છે સજા અશ્રુપાતની;

પાણી મૂક્યું કે હું ફરી ટહુકા નહીં કરું.

કોરી કિતાબ જેવી છે જિંદગી હવે;

પત્રો લખીશ, બંધ લિફાફા નહીં કરું.

ત્હારી કનેથી કોઈ વચન માગવું નથી;

છે લાગણી તો એની પરીક્ષા નહીં કરું.

મ્હારા ખભા ઉપર છે બધાં મ્હારાં પુણ્ય-પાપ;

ઈશ્વર કનેય કોઈ ખુલાસો નહીં કરું.

સ્રોત

  • પુસ્તક : વયઃસંધિ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2002