અર્પણ કરીને એક ઈતર છીનવી લીધું
Arpan Karine Ek Itar Chhinavi Lidhu

અર્પણ કરીને એક ઈતર છીનવી લીધું
Arpan Karine Ek Itar Chhinavi Lidhu
જયેન્દ્રસિંહ જાડેજા 'ફાની'
Jayendrasinh Jadeja 'Fani'

અર્પણ કરીને એક ઇતર છીનવી લીધું,
આપી દીધું શરીર ભીતર છીનવી લીધું.
ડંકા, છડી, નિશાન, ચમર ત્યાગવા હતા,
પણ છોડવું નહોતું છતર, છીનવી લીધું.
આપી રજા મહેલમાં વસવાટની ફક્ત,
નાતો હતો અતૂટ એ ઘર છીનવી લીધું.
એકાદ વ્યક્તિ ઝૂંટવ્યે સંતોષ ના થયો,
મારી કનેથી આખું નગર છીનવી લીધું.
દેવા ચહ્યું'તું એણે તો સઘળું દીધું હતું,
અફસોસ ક્યાં એણે જ અગર છીનવી લીધું.
મારા ગુનાને લીધે અલગ તો કરી દીધા,
મળવું સખીના વાંક વગર છીનવી લીધું.
ખંડિત મૂર્તિઓ ને દીવાલોને શું કરું?
'ફાની' ધજા સમેત શિખર છીનવી લીધું.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 158)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ