nadi - Ghazals | RekhtaGujarati

જળ હોય તો શું, નદી નદી છે;

સ્મરણમાં સુકાતી નથી નદી છે.

નિશાળે ભણાવાતા નકશામાં જોજો,

અહીં જે નથી, ત્યાં હજી નદી છે.

પ્રદૂષણના ધુબકા સહન થઈ શક્યા નહિ,

તો રેતી નીચે જઈ વસી નદી છે.

નજર સહેજ ફેંકી, ભીનાં વાદળોએ

ને રેતીને જે કળ વળી નદી છે.

નજર સામે વસ્તીની વસ્તી ડૂબી ગઈ;

નજરમાં જે કેવળ બચી નદી છે.

પડ્યો જ્યાં હું તરવા તો જાણ્યું કે તો

જે મારામાં તરતી હતી નદી છે!

વટી બેય કાંઠા વહેતી'તી કિન્તુ,

મને તારવા ઓસરી નદી છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012