nadi - Ghazals | RekhtaGujarati

ન જળ હોય તો શું, નદી એ નદી છે;

સ્મરણમાં સુકાતી નથી એ નદી છે.

નિશાળે ભણાવાતા નકશામાં જોજો,

અહીં જે નથી, ત્યાં હજી એ નદી છે.

પ્રદૂષણના ધુબકા સહન થઈ શક્યા નહિ,

તો રેતી નીચે જઈ વસી એ નદી છે.

નજર સહેજ ફેંકી, ભીનાં વાદળોએ

ને રેતીને જે કળ વળી એ નદી છે.

નજર સામે વસ્તીની વસ્તી ડૂબી ગઈ;

નજરમાં જે કેવળ બચી એ નદી છે.

પડ્યો જ્યાં હું તરવા તો જાણ્યું કે આ તો

જે મારામાં તરતી હતી એ નદી છે!

વટી બેય કાંઠા એ વહેતી'તી કિન્તુ,

મને તારવા ઓસરી એ નદી છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012