naam aenun ghuntvaane ketlun gumaavyun chhe! - Ghazals | RekhtaGujarati

નામ એનું ઘૂંટવાને કેટલું ગુમાવ્યું છે!

naam aenun ghuntvaane ketlun gumaavyun chhe!

દીપક મહિડા દીપક મહિડા
નામ એનું ઘૂંટવાને કેટલું ગુમાવ્યું છે!
દીપક મહિડા

નામ એનું ઘૂંટવાને કેટલું ગુમાવ્યું છે!

હસ્તરેખા ભૂંસવાને કેટલું ગુમાવ્યું છે!

રેશમી જાતમાં પાડી તિરાડો શી રીતે?

કાચ માફક તૂટવાને કેટલું ગુમાવ્યું છે!

છોડવું ભારેપણું ધાર્યા મુજબ સહેલું નથી,

શું કહું કે ઉડવાને કેટલું ગુમાવ્યું છે!

આંખને ઝૂકવું પડ્યું'તું છેક એના ગાલ લગ,

એક આંસુ લૂછવાને કેટલું ગુમાવ્યું છે!

જઈ સભામાં સૌપ્રથમ, છેલ્લી બેઠક શોધી હતી,

પ્રેમ વિશે પૂછવાને કેટલું ગુમાવ્યું છે!

પાંપણો એણે ઘસી'તી, ત્યાં પડી'તી ભાત જે,

રંગ એમાં પુરવાને કેટલું ગુમાવ્યું છે!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ