na thayaa - Ghazals | RekhtaGujarati

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,

હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,

ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા.

તાગવા જાય તો - ખોદાઈ ગયા છે દરિયા,

અર્થ શોધો તો - અમસ્થાય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,

ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,

બળી 'ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,

તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,

એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 287)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ