mukam paust manas - Ghazals | RekhtaGujarati

મુકામ પૉસ્ટ માણસ

mukam paust manas

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
મુકામ પૉસ્ટ માણસ
નયન હ. દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તુટયાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ

ભીંત ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ

ખોટા સરનામે ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે

મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ

ઘર નંબર અથવાને પીનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મી પુરા

કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ

કૅન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે

મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 231)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004