મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે
mukaddarnii kanadgat chhe, samaynii bevaphaii chhe

મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે
mukaddarnii kanadgat chhe, samaynii bevaphaii chhe
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

મુકદ્દરની કનડગત છે, સમયની બેવફાઈ છે;
જીવનની લાજ ખુદ એના જ ઘરનાંથી લૂંટાઈ છે.
દિલે પોતે જ પરખાવા ન દીધું પોત દુનિયાનું;
સુમન ઓથે જ કંટકની બધી લીલા રમાઈ છે.
તરંગોના બળે સાતે ગગનને આવરી લેશું,
હવાઈ મંઝિલો કાજે તુરંગો પણ હવાઈ છે.
અમર પંખી! પરમ સદ્ભાગ્ય! કે પિંજર મળ્યું નશ્વર!
ખુશીથી દર્દ માણી લે, ઘડીભરની જુદાઈ છે.
દયા ખાજો બળી શકતા નથી એવા પતંગોની,
દીપકની આગમાં તો વેદનામુક્તિ લપાઈ છે.
જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું, મિલ્કત પરાઈ છે!
અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી શૂન્યની ગઝલો લખાઈ છે?



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 259)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ