tari hatheli etle tahuko chhe morno - Ghazals | RekhtaGujarati

તારી હથેળી એટલે ટહુકો છે મોરનો

tari hatheli etle tahuko chhe morno

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
તારી હથેળી એટલે ટહુકો છે મોરનો
કૈલાસ પંડિત

તારી હથેળી એટલે ટહુકો છે મોરનો,

મારી હથેળી છાંયડો સૂની બપોરનો.

તારી હથેળી ઓસ છે ફૂલોના હોઠનું,

મારી હથેળી વાયરો છેલ્લા પહોરનો.

તારી હથેળી મૌન છે લીલા ઉજાસનું,

મારી હથેળી એટલે પગરવ છે ચોરનો.

તારી હથેળી એટલે બિંબાતી લાગણી,

મારી હથેળી આયનો યાદોની કોરનો.

તારી હથેળી ઊગતી મેંદીની પાંદડી,

મારી હથેળી એટલે કાંટો છે થોરનો.

તારી હથેળી જુલ્ફ છે ભીની સવારની,

મારી હથેળી દાંતિયો ખૂલતી બપોરનો.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995