mokalun chhun - Ghazals | RekhtaGujarati

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું.

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

તું સ્વયમ્ ઝળહળ છે જાણું છું છતાંયે

કોડિયું મારું આ થરથર મોકલું છું.

થઈ ગયું મોડું, પડ્યું જન્મોનું છેટું,

તો ય લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ

તેં કદી દોર્યું ’તું એ ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,

છે બધાથી પર એ ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,

એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1995