mogham ishara na hote - Ghazals | RekhtaGujarati

મોઘમ ઇશારા ન હોતે

mogham ishara na hote

અમર પાલનપુરી અમર પાલનપુરી
મોઘમ ઇશારા ન હોતે
અમર પાલનપુરી

કરુણાના તૂટી જતે સર્વ બંધો,

જો નયને પલક કેરા આરા ન હોતે;

જગત પર બધે જલપ્રલય થઈને રહેતે,

જો સાગરને ચોગમ કિનારા ન હોતે.

મોહબ્બતમાં રંગીનીઓ હોત ક્યાંથી,

જો યૌવનના મદભર ઇશારા ન હોતે,

વિરહ રાતનું શું થતે, કોણ જાણે,

ગગનમાં જો અગણિત સિતારા ન હોતે.

સુમનની જવાની સલામત ન રહેતે,

બની જાત વેરાન બાગોની દુનિયા!

ન રોકાત પંજાઓ જાલિમ જગતના,

જો કાંટાના મક્કમ સહારા ન હોતે.

ન મળતે કદી સાંત્વન આ હૃદયને;

મનોરમ જો સૃષ્ટિ નજરની ન હોતે.

બની જાત વેરાન જીવનનું જીવન,

સ્મરણના અગર પુષ્પ-ક્યારા ન હોતે.

અગર એની નજરો ન કહેતે દુબારા,

કવિતા અમર હું સુણાવી ન શકતે,

ઊઠી જાવું પડતે આ મહેફિલથી આજે,

પળેપળ જો મોઘમ ઇશારા ન હોતે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4