મારું ક્યાંયે નામ ન આવે
maru kyaye naam na aave
આશિત હૈદરાબાદી
Aashit Hyderabadi

મારું ક્યાંયે નામ ન આવે,
કોઈ હવે પયગામ ન આવે!
દ્વારો એવા ભીડી દીધા,
કૂંચી એકે કામ ન આવે!
હાલ અમારા દિલ જાણે છે,
કોઈ દુવાઓ કામ ન આવે!
દુશ્મન મોકો એક ન ચૂકે,
મિત્રો ટાણે કામ ન આવે!
સાવ નજર સામે જ પડ્યા છે,
હોઠ લગી એક જામ ન આવે!
સાદી સીધી રીતે જીવ્યા,
જીવન પર ઇલ્ઝામ ન આવે!
નક્કી જાકારો પામ્યા છે,
'આશિત' પાછા આમ ન આવે!



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 221)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ