kari shrungar jhakalno jhalkta divaa pragtavyaa - Ghazals | RekhtaGujarati

કરી શૃંગાર ઝાકળનો ઝળકતા દીવા પ્રગટાવ્યા

kari shrungar jhakalno jhalkta divaa pragtavyaa

લક્ષ્મી ડોબરિયા લક્ષ્મી ડોબરિયા
કરી શૃંગાર ઝાકળનો ઝળકતા દીવા પ્રગટાવ્યા
લક્ષ્મી ડોબરિયા

કરી શૃંગાર ઝાકળનો ઝળકતા દીવા પ્રગટાવ્યા.

બધા ફૂલોએ મ્હેંકીને મહેકતા દીવા પ્રગટાવ્યા.

હતું નાનકડું પંખી, કરે તો શું કરે બીજું?

તણખલાં બે'ક સૂકા લઈ, ટહુકતા દીવા પ્રગટાવ્યા.

કહે, કેવી રીતે તારો હવે આભાર માનું હું?

સ્મરણ, તેં આવી આવીને ઝબૂકતા દીવા પ્રગટાવ્યા.

સવાલો એના હોવાના તમે પૂછ્યા અને એણે,

ગગન ગોખે ચમકતા ને ટપકતા દીવા પ્રગટાવ્યા.

અલગ અંદાજથી અજવાળું ખુદનું પાથરી દીધું,

હતું ઝીણું ઝરણ કિન્તુ ખનકતા દીવા પ્રગટાવ્યા.

અરે, લાગણી! તારા કસબને દાદ આપું છું,

મિલનમાં ને જુદાઈમાં છલકતા દીવા પ્રગટાવ્યા.

તમે અંધારની વાતો કરીને રાત વિતાવી,

મેં કાગળ ને કલમ લઈને રણકતા દીવા પ્રગટાવ્યા.

સ્રોત

  • પુસ્તક : પદ્ય : ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ અંક ૧૨ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ