melo chhe aevo moto ke melaano thaak chhe - Ghazals | RekhtaGujarati

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે

melo chhe aevo moto ke melaano thaak chhe

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે
હરીન્દ્ર દવે

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,

તમને થયું કે આપણી દુનિયાનો થાક છે?

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!

મંઝિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,

હમણાં ઊતરી જશે રસ્તાનો થાક છે.

મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,

રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,

પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ