te pachhi miran thawani wat kar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તે પછી મીરાં થવાની વાત કર

te pachhi miran thawani wat kar

દિલીપ રાવળ દિલીપ રાવળ
તે પછી મીરાં થવાની વાત કર
દિલીપ રાવળ

રંગ સાથેના સંબંધો તોડ પહેલાં; તે પછી મીરાં થવાની વાત કર.

શ્વેત વસ્ત્રો સાથ નાતો જોડ પહેલાં; તે પછી મીરાં થવાની વાત કર.

એકતારા સાથમાં તલ્લીન થઈને, ઘુંઘરૂની ગૂંજ સાથે લીન થઈને;

તું હૃદયના તારને ઝંઝોડ પહેલાં; તે પછી મીરાં થવાની વાત કર.

પગ તળે મેવાડની તપતી ધરા છે, પંથ જે સામે છે સર્વે આકરા છે;

મ્હેલ ને મહોલાતને તરછોડ પહેલાં, તે પછી મીરાં થવાની વાત કર.

ઝેરનો પ્યાલો પચાવી જાણવાનો, ભક્તિના રસને નિભાવી જાણવાનો,

જગત-સુરાનો પ્યાલો તોડ પહેલાં, તે પછી મીરાં થવાની વાત કર.

કૃષ્ણ નામે નીરને બસ પી જવાનું, બસ; ફક્ત એના નશે બહેકી જવાનું,

શ્યામ-નામી ઝંખના લઈ દોડ પહેલાં, તે પછી મીરાં થવાની વાત કર.

સ્રોત

  • પુસ્તક : આવ સજનવા (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : દિલીપ રાલવ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 1996