maun nu talu ughadi ne - Ghazals | RekhtaGujarati

મૌનનું તાળું ઉઘાડીને

maun nu talu ughadi ne

વિશ્વરથ વિશ્વરથ
મૌનનું તાળું ઉઘાડીને
વિશ્વરથ

હવે ક્યાં જાય છે માળી, ચમનમાં દવ લગાડીને?

ઉદય જોયો, વિલય પણ જોઈ લે, આંખો ઉઘાડીને.

નિભાવી ના શકો તો પ્રીતનું નામ નહીં લેશો;

નજર ના ચોરશો, નજરો તણી લગની લગાડીને.

સમીરણ સાથ સંદેશા કહાવ્યા તે છતાં ના'વ્યો;

ભ્રમર નાસી ગયો, માસૂમ કળીનું દિલ દઝાડીને.

શિકારી પાય છે અંતે મરણનું ઝેર મૃગલાને;

પ્રલોભનનું પ્રથમ સંગીતમય અમૃત ચખાડીને.

સુરા જો કીંમતી છે, તો અમે પણ કમ નથી સાકી!

ભરે છે જામ તો પણ કેમ તું મોઢુ બગાડીને?

વિશેષણ એમને માટે મને શોધ્યું નથી જડતું;

ગયા જે દર્દ સાથે વેદના દિલમાં જગાડીને.

પ્રયત્નોએ પરાજયને પરાજય એમ આપ્યો છે;

કરે છે કેદ વાદી જેમ વિષધરને રમાડીને.

અબોલા રાખવા છે. તો અહીં પગલાં ધર્યા શાને?

મિલનનું માન રાખો મૌનનું તાળું ઉઘાડીને.

રહે તો છો રહે વેરાન ગુલશન વિશ્વરથ તારું;

નથી લેલૂર બનવું કોઈનું ઉપવન ઉજાડીને.

સ્રોત

  • પુસ્તક : કાસિદ : માર્ચ, 1961 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : હમદર્દ તથા મલિક
  • પ્રકાશક : મુસ્લીમ નવજવાન સહાયક મંડળ, ભાવનગર