મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું
maulvinaa gaam wachche maya pivaanun man thayun

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું
maulvinaa gaam wachche maya pivaanun man thayun
ઇકબાલ મોતીવાલા
Iqbal Motivala

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.
સાવ ચીંધરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.
ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.
જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.
આયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી;
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?



સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી દિલ્હી
- વર્ષ : 2008
- આવૃત્તિ : 3