માથેથી સ્વર્ગ હળવું હળવું
mathethii swarg halvun halvun
જુગલ દરજી
Jugal Darji

માથેથી સ્વર્ગ હળવું હળવું ઉતારવું છે,
તારી ઈંઢોણી પરથી મટકું ઉતારવું છે.
જો થઈ શકે તો થોડો ટેકો કરો રે લોકો!
મારા ખભેથી મારું મડદું ઉતારવું છે.
સ્વાગત છે ઓ હકીકત સ્વાગત છે તારું કિન્તુ,
પહેરીને આવી છે એ કપડું ઉતારવું છે.
તું ઝેર છે તો મારી આંખોમાં કેમ છે તું!
મારે તને હળાહળ ગળવું-ઉતારવું છે.
આ મંચ ને પ્રસિદ્ધિ એવું વ્યસન છે મિત્રો,
ધીમે રહી ચડે તો અઘરું ઉતારવું છે.



સ્રોત
- પુસ્તક : પહેરણ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : જુગલ દરજી
- પ્રકાશક : ઝેકાર્ડ પબ્લિકશન
- વર્ષ : 2023