maru kyaye naam na aave - Ghazals | RekhtaGujarati

મારું ક્યાંયે નામ ન આવે

maru kyaye naam na aave

આશિત હૈદરાબાદી આશિત હૈદરાબાદી
મારું ક્યાંયે નામ ન આવે
આશિત હૈદરાબાદી

મારું ક્યાંયે નામ ન આવે,

કોઈ હવે પયગામ ન આવે!

દ્વારો એવા ભીડી દીધા,

કૂંચી એકે કામ ન આવે!

હાલ અમારા દિલ જાણે છે,

કોઈ દુવાઓ કામ ન આવે!

દુશ્મન મોકો એક ન ચૂકે,

મિત્રો ટાણે કામ ન આવે!

સાવ નજર સામે જ પડ્યા છે,

હોઠ લગી એક જામ ન આવે!

સાદી સીધી રીતે જીવ્યા,

જીવન પર ઇલ્ઝામ ન આવે!

નક્કી જાકારો પામ્યા છે,

'આશિત' પાછા આમ ન આવે!

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 221)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ