mari sathe aa nagar akhun paDyun’tun agman - Ghazals | RekhtaGujarati

મારી સાથે આ નગર આખું પડ્યું’તું આગમાં

mari sathe aa nagar akhun paDyun’tun agman

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
મારી સાથે આ નગર આખું પડ્યું’તું આગમાં
ખલીલ ધનતેજવી

મારી સાથે આ નગર આખું પડ્યું’તું આગમાં,

કોણ જાણે હું જ ક્યાં પથરાયો પોણા ભાગમાં.

તું વસંતતિલકા કે મંદાક્રાંતા જે હોય તે,

મેં તને મરજી મુજબ છેડી ગઝલના રાગમાં.

કોઈ તો મનગમતો સાથીદાર હોવો જોઈએ,

એ પછી, ઘરમાં કે જંગલમાં રહો કે બાગમાં.

ઉંબરે દીવો સળગતો મૂકવાનો છે સમય,

ટોડલે ટાંપીને બેઠી છે હવા પણ લાગમાં.

હું ખલીલ, આ મોહમાયા છોડી દઉં પણ પછી,

સાવ નિર્ધન થઈ જશે મારી ગઝલ વૈરાગમાં.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008