mara ujasne - Ghazals | RekhtaGujarati

મારા ઉજાસને

mara ujasne

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
મારા ઉજાસને
કરસનદાસ લુહાર

શિક્ષા કરું શી મારા ગુનેગાર શ્વાસને?

ના પી શક્યા એ કોઈ ફૂલોની સુવાસને!

પગમાંથી ઉખેડ્યું તો એ નખમાં ઊગી ગયું!

નિર્મૂળ કરવા તોય મથું છું હું ઘાસને!

ઝાંખી પડી ગયેલ દિશાઓને ધોળવા -

વાતાવરણ લઈ ગયું મારા ઉજાસને!

નિર્વસ્ત્ર લાશ પર નર્યું ઝાકળનું આવરણ-

જોઈને ફૂટતાં રહ્યાં કાલાં, કપાસને!

ઝળહળતા કોઈ શ્વાસ બુઝાઈ ગયા છતાં -

અંધારનું ન ભાન થયું આસપાસને!

એના ઉપર ઊગ્યું છે ઝીણું જળનું ઝાડવું;

દાટી દીધી મેં રેતમાં જ્યાં મારી પ્યાસને!

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999