mara mahin samayela e jan wishe na poochh - Ghazals | RekhtaGujarati

મારા મહીં સમાયેલા એ જણ વિશે ન પૂછ

mara mahin samayela e jan wishe na poochh

હનીફ સાહિલ હનીફ સાહિલ
મારા મહીં સમાયેલા એ જણ વિશે ન પૂછ
હનીફ સાહિલ

મારા મહીં સમાયેલા એ જણ વિશે ન પૂછ

બીજું બધુંય પૂછ પણ એ પણ વિશે ન પૂછ

મારી ગઝલની સાથે હશે કૈં ઋણાનુબંધ

પણ મારા એની સાથેના સગપણ વિશે ન પૂછ

માટીની જેમ હુંય સુંગધાઈ ગયો'તો

વરસ્યો'તો ધોધમાર એ શ્રાવણ વિશે ન પૂછ

લોહીલુહાણ કેમ છે આ મારા વર્તમાન

સદીઓ વીતી ગઈ હવે આ ક્ષણ વિશે ન પૂછ

ઓગળતી સાંજે દોસ્ત! કોઈ પ્રશ્ન કર નહીં

તું પણ સુરામાં ડૂબ ને મારણ વિશે ન પૂછ

કાગળમાં ચીતરાયેલી પીડાના સમ હનીફ

મારી ગઝલમાં આવતા એ જણ વિશે ન પૂછ

સ્રોત

  • પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985