Koina Bhina Pagla Thashe Evo Ek Vartaro - Ghazals | RekhtaGujarati

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો

Koina Bhina Pagla Thashe Evo Ek Vartaro

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો
સૈફ પાલનપુરી

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે

સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઈએ કોનો વારો છે.

મારા લગતી કોઈએ બાબત એમાં તો મેં જોઈ નહીં

જીવું છું પણ લાગે છે કે બીજાનો જન્મારો છે.

વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન અમારા પર

એટલે અમને એના કરતાં એનો ગુસ્સો પ્યારો છે.

મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની,

જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી મુંઝારો છે!

કોઈ તો એવી રાત હો જ્યારે મરજી મુજબ જાગી લઉં

કોઈ તો એવો દિવસ હો કે લાગે દિવસ સારો છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ