anjumanman - Ghazals | RekhtaGujarati

એવી કો' તેજરેખા દોરાઈ તુજ નયનમાં,

ઝબકી રહી હો જાણે વીજળી કોઈ ગગનમાં.

એક પળ મીંચાઈ મારી દર્શનાતુર આંખો,

એક પળ, કહે છે, પડદો ઊપડ્યો'તો અંજુમનમાં.

મંજિલની શોધમાં હું રણ માંહે આથડું છું,

રહેબર તો, સાંભળ્યું છે, થાળે પડ્યા ચમનમાં.

કલ્પનાનાં ઝાકળ, આદર્શનાં મૃગજળ,

ચમકે છે કાવ્યમાં પણ ટકતાં નથી જીવનમાં.

હસતા 'લુત્ફ'ની તું અંતર-વ્યથા શું જાણે?

તુજને ખબર શું, સહચર! છે કેવી આગ મનમાં?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ