મનની અગાસી
mannii agasii
દિલીપ મોદી
Dilip Modi
છેવટે મનગમતી ક્ષણ ગઈ ક્યાંક નાસી
ડૂસકાં ભરતી રહી મનની અગાસી.
પથ્થરો પર મેં પછાડી હોત એને
કાચની માફક તૂટે છે ક્યાં ઉદાસી?
ચંદ્રની બસ શોધમાં ભટક્યા કર્યું મેં
રાત કેવી નીકળી સઘળી અમાસી!
કેટલી ભારે સજા કીધી મને તેં
આપીને અટકળ; ક્ષણો ને આંખ પ્યાસી.
થઈ ગયો આ તો નિયમ હંમેશનો કે-
યાદ તારી ફૂલ જાણે બારમાસી.
કૈંક બળતું : હા ભીતર બળતું પળેપળ
વેદના તાજી જ છે; છે ઘાવ વાસી.
મારી આંખોમાં લખ્યા છે મૌન શબ્દો
વાંચ! જોયા શું કરે છે મોં વકાસી?
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૦૮ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : પુરુરાજ જોષી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2010