mane kani khabar nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને કંઈ ખબર નથી

mane kani khabar nathi

રતિલાલ 'અનિલ' રતિલાલ 'અનિલ'
મને કંઈ ખબર નથી
રતિલાલ 'અનિલ'

કેવો હતો વિલાસ, મને કંઈ ખબર નથી;

હું તો હતો ઉદાસ, મને કંઈ ખબર નથી.

આવે છે શી સુવાસ? મને કંઈ ખબર નથી;

અંતર તું ખુદ તપાસ, મને કંઈ ખબર નથી.

કંઈ તું હોશમાં છે મને શોધ, ક્યાં રહો -

ભીતર કે આસપાસ? મને કંઈ ખબર નથી.

વસ્તી સમું તો કંઈક હ્રદયમાં જરૂર છે,

કોણે કર્યો નિવાસ? મને કંઈ ખબર નથી.

જીવનમાં માત્ર તું હતી યાદ છે,

રાહત હતી કે ત્રાસ? મને કંઈ ખબર નથી.

તારો કે મારા મુગ્ધ મનની ઘેલછા તણો?

કોનો હતો હું દાસ? મને કંઈ ખબર નથી.

બેચેન એટલો હતો કે ભાન ના હતું,

શેની હતી પ્યાસ, મને કંઈ ખબર નથી.

તારા તરફ વળ્યો હતો કે તું પ્રેરતી,

કોનો હતો પ્રયાસ? મને કંઈ ખબર નથી.

દૃષ્ટિ ને આંખ આપને આપી દીધાં હતાં,

સાચું હતું કે ભાસ, મને કંઈ ખબર નથી.

કેવળ હતી યુવાની મને યાદ છે,

કેવા દિવસ ને માસ! મને કંઈ ખબર નથી.

મંજિલની ધૂનમાં સમય વહી ગયો,

કેવો રહ્યો પ્રવાસ, મને કંઈ ખબર નથી.

મારા ચમનની મહેક હું ભૂલ્યો નથી ‘અનિલ’

શાની હતી સુવાસ, મને કંઈ ખબર નથી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4