mane girnar sangharshe - Ghazals | RekhtaGujarati

મને ગિરનાર સંઘરશે!

mane girnar sangharshe

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
મને ગિરનાર સંઘરશે!
રાજેન્દ્ર શુક્લ

સંકલ્પો, સંચરવું, એકે શબ્દ સાંભરશે,

સહજ સાતે સળંગાઈ સમય ખળખળ વહ્યા કરશે.

ક્ષુધાનું વૃક્ષ ફલ ગરશે, તૃષા જલપાત્ર મુજ ભરશે,

પવનથી પાતળું અંબર દિશાઓ આવી ખુદ ધરશે.

હૃદયનું રિક્ત આરોહશે ઊંચે અને ઊંચે

નિશીથે તારકોનાં તત્ત્વનો અવકાશ ઝરમરશે.

તળેટીથી ટૂંકો લગ ખેલતું વાદળ પવન સંગે,

નિરુદ્દેશે મજાનું મન ધજાની જેમ ફરફરશે,

સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં?

ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંધરશે.

સ્રોત

  • પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022