mane bhawni ho talash to pachhi bhawytanun hun shun karun? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?

mane bhawni ho talash to pachhi bhawytanun hun shun karun?

રઈશ મનીઆર રઈશ મનીઆર
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?
રઈશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?

ઊભું સત્ય આવીને બારણે, હવે માન્યતાનું હું શું કરું?

હું અલગ રહું, તું અલગ રહે, વિશાળતાનું હું શું કરું?

જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું?

જે જહાજ પાર ઉતારશે વજન વધુ ખમી શકે

કરી એકઠી જે મેં ઉમ્રભર હવે મતાનું હું શું કરું?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના પ્રવેશ હો

હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકે

જે ભરી દે કર, ને કરે અપંગ સહાયતાનું હું શું કરું?

હવે શ્રેય શું, હવે ધ્યેય શું? છું હું બેખબર, છે તને ખબર

તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે

કે સમાનતાનો જ્યાં ભંગ હો ઉદારતાનું હું શું કરું?

સ્રોત

  • પુસ્તક : આમ લખવું કરાવે અલખની સફર (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : શબ્દ પ્રકાશન
  • વર્ષ : 2011