mane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાં હજી પૂરો પિવાડ્યો છે મને!

સાકીએ થોડો ચખાડ્યો છે મને.

દરિયો માનીને રંજાડ્યો છે મને

ચાંદનીએ બહુ દઝાડ્યો છે મને

રાતદી લાગટ કરાવી ઊઠબેસ

બેકરારીએ થકાડ્યો છે મને

ગીચ દુર્ગમ વાયદાની વાટમાં

સાંજ વેળાએ: ઉભાડ્યો છે મને

જ્યારથી આંખે થયો છું રાતની

ત્યારથી, રાતે જગાડ્યો છે મને

આંધીઓ સારે છે અશ્રુ આજ પણ

ભરયુવાનીમાં બુડાડ્યો છે મને

મેં મને ખરચ્યો છે છુટ્ટા હાથથી

મેં ખરચીને ખુટાડ્યો છે મને.

પંચતત્ત્વોનું તો કેવળ નામ છે,

માંસ મજ્જામાં ખુતાડ્યો છે મને

આજ ‘ઘાયલ’ કેફનું શું પૂછ્યું!

આજ ‘તૌબા’એ પિવાડ્યો છે મને.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008