manas howun - Ghazals | RekhtaGujarati

માણસ હોવું

manas howun

હેમંત દેસાઈ હેમંત દેસાઈ
માણસ હોવું
હેમંત દેસાઈ

પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,

ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે

મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાનાં, ખર્ચે જવાનાં ખોખો ખેલી,

મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.

ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્યાં ફરવાનું

પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલનાં શિર દઈ દેતાં હસતાં હસતાં ક્ષણમાં તેને

સસ્તાં સસ્તાં જીવનનું અભિમાન હોવું – માણસ હોવું.

સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા

તોય વખત પર નિરાધાર નાદાન હોવું- માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં

ઢળ્યાં અહીં કે તહીં બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયાં-નું

મળે તેમના જીવ્યાનું સન્માન હોવું – માણસ હોવું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 366)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004