man hansla! parakh tane kartan na awaDyun - Ghazals | RekhtaGujarati

મન-હંસલા! પરખ તને કરતાં ન આવડ્યું

man hansla! parakh tane kartan na awaDyun

કિસ્મત કુરેશી કિસ્મત કુરેશી
મન-હંસલા! પરખ તને કરતાં ન આવડ્યું
કિસ્મત કુરેશી

મન-હંસલા! પરખ તને કરતાં ન આવડ્યું,

ચારો વિચાર-મોતીનો ચરતાં ન આવડ્યું.

જગથી જતાં-જતાંય ગઈ સ્વર્ગ ઝંખતી,

સૃષ્ટિ ઉપર એ દૃષ્ટિને ઠરતાં ન આવડ્યું.

કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા,

અશ્રુને ભાલ પર થઈ સરતાં ન આવડ્યું.

રત્નોને આવવું પડ્યું પુષ્પોને સૂંઘવા,

સૌરભને અબ્ધિ-હૈયે ઊતરતાં ન આવડ્યું.

ધાર્યું જો હોત, ચંદ્ર! તમે દેત ખેરવી,

સંપીને તારલાઓને ખરતાં ન આવડ્યું.

એને ડુબાડવામાં સુકાનીનો હાથ છે,

કઈ જીભે કહું કે નાવને તરતાં ન આવડ્યું.

ચિંતન કરી હું ચાલ્યો, ન ચાલીને ચિંતવ્યું,

મસ્તક ઉપર કદમ કદી ધરતાં ન આવડ્યું.

વાગ્યાં અમારે હૈયે નકી હાથનાં કર્યાં,

જીવનમાં આગ ચાંપી ઊગરતાં ન આવડ્યું.

ફળ કેવું પામ્યો ફૂલ કચડવાની ટેવનું,

કંટકના હૈયે ડગ ભરતાં ન આવડ્યું.

બે આંખ લાલ થઈ ન થઈ ત્યાં રડી પડી,

'કિસ્મત'ની લાગણીને વીફરતાં ન આવડ્યું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4