male na male - Ghazals | RekhtaGujarati

મળે ન મળે

male na male

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
મળે ન મળે
આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચ્હેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શ્હેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004