sharabno inkar - Ghazals | RekhtaGujarati

શરાબનો ઇનકાર

sharabno inkar

કલાપી કલાપી
શરાબનો ઇનકાર
કલાપી

આવું કહો, ક્યાં એકલો? આશક જહાં થાતી નથી;

પ્યાલું ભર્યું આઃ ના કદર, પીવા જહાં પ્યાલી નથી.

છે પ્યાસ, છે શોખે અને છે જિગરને મહોબતે;

મીઠું ભર્યું જામે, મગર હા! સોબતી પીવા નથી.

નૂરે જુદાઈમાં તમે, સાકી, શરાબી ને સનમ;

સોબત અમારી આલમે, આલમ ચડી ઈશ્કે નથી.

બેઈશ્ક શું જાણે શરાબી યા શરાબીની મઝા?

બેઈશ્કથી જૂની મહોબત તૂટતી આજે નથી.

આલમ, પિદર, માદર, બિરાદર, દોસ્તને શું શું નહીં?

ગફલતે તેને સુવારી જામ પીવાતું નથી.

જામ પર લાખો જહાં કુરબાન તો કરવી ઘટે;

તોયે સગાઈના હકે પેશકદમી ના થતી.

પિવાડવું જો ના બને, પીવું પછી ચોરી કરી;

આલમ રડે, હું ક્યાં હસું? ખૂન જોવાતું નથી.

સોબત વિના કેવી શરાબી? શી ખુમારી એકલા?

જામ પ્યારું ઝિન્દગીથી તો ચૂમાતું નથી.

પ્યાલું જરી પીતાં જિગરથી જહાં છૂટો પડે;

પીનાર પીપી જાય તે આલમ તણું કોઈ નથી.

પ્યાલું ધરું જ્યાં હું લબે, આલમ પુકારી ઊઠતી,

ઝાડો, ઝરા, ફૂલો રડે, આંસુ સરાતાં યે નથી.

છો પ્યારથી આવ્યા અહીં, આફત યારી હશે;

નાઉમેદીની હવે માફી મગાતી યે નથી.

સાકી! સનમ! પાછાં ફરો, ઠેલું તમારા હાથને;

ઇશ્કે જહાંમાં ઈશ્કનું જામ લેવાતું નથી.

તો યે, સનમ! સાકી! અમારી રાહ તો જોજો જરૂર;

પીધા વિના જામને, રાહત નથી કે ચેને નથી.

તાઝિમોથી, ઈશ્કથી, લાખો ખુશામદથી. અગર−

જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.

આશક થઈ પ્યાસી હશે આલમ તમારી એક દીઃ

સાથે લઈ પીણું શરાબી, હુઝ્ર ત્યાં પીવા નથી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942