maher mari upar kare na kare - Ghazals | RekhtaGujarati

મહેર મારી ઉપર કરે ન કરે

maher mari upar kare na kare

હેમંત પુણેકર હેમંત પુણેકર
મહેર મારી ઉપર કરે ન કરે
હેમંત પુણેકર

મહેર મારી ઉપર કરે ન કરે

એની મરજી, નજર કરે ન કરે

આંખો બોલી ગઈ છે દિલની વાત

ભૂલ એવી અધર કરે ન કરે

એને ચિંતા સતત, શું કહેશે લોક?

મારા મનની ફિકર કરે ન કરે

એ જ અવઢવમાં ચૂપ રહી જઉં છું

શબ્દ ધારી અસર કરે ન કરે

એને મહેલોની ટેવ છે ‘હેમંત’

તારા દિલમાં એ ઘર કરે ન કરે

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022