કોઈ આવીને ઉઘાડે બારણાં
koi aaviine ughaade baarnaan
ભરત વાઘેલા
Bharat Vaghela

કોઈ આવીને ઉઘાડે બારણાં.
એ બધી ખોટી પડી છે ધારણા.
એક કૂણી ડાળખી તૂટી પડી,
મૂળમાં ફૂટે પછી સંભારણાં.
તું નથી તો આંખને ઉપવાસ છે,
તું જ આવીને કરાવે પારણાં.
એ છબીમાં રહી મને જોયા કરે,
મા હવે લેતી નથી ઓવારણાં.
ધારણામાં જે કદીયે હોય ના,
એ જ આવીને ઉઘાડે બારણાં.



સ્રોત
- પુસ્તક : પરબ : ઓક્ટોબર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : કિરીટ દૂધાત
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ