મારા સમ સોનલવરણું છે
maaraa sam sonalvarnu chhe
અમૃત ઘાયલ
Amrut Ghayal
અમૃત ઘાયલ
Amrut Ghayal
મારા સમ સોનલવરણું છે,
હૈયું કસ્તુરી હરણું છે.
તમ શમણું મારું શરણું છે,
ભવરણમાં મીઠું ઝરણું છે.
કેમ ન લાગે વ્હાલું શમણું!
સ્નેહ-જીવનનું સાંભરણું છે.
આવો, બિરાજે આવો હૃદયમાં!
રૂપને લાયક પાથરણું છે.
જીવન કંઈ સળગી ના જાએ,
જોબન જ્વાલાનું ઝરણું છે.
લોક કહે છે જીવન જેને,
ચાર દિવસનું ચાંદરણું છે.
ડૂબતાનો છે એક સહારો,
છો દેખાવે મન તરણું છે.
સંસ્કારોમાં કાંઈ રહ્યું ના!
ઉપવીત છે ના ઉપરણું છે.
કેમ જવાની શોક ન પાળે!
'ઘાયલ' જેવાનું મરણું છે.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં - અમૃત ઘાયલના ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : જયન્ત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981
