આઘાત દઈને તેં જ એને છીનવી હતી
aaghaat daiine ten ja chhinavii hatii
હરીશ ધોબી
Harish Dhobi

આઘાત દઈને તેં જ એને છીનવી હતી,
તારા વિશેની એક જ ઘટના બચી હતી.
શબ્દો તને મનાવવા નિષ્ફળ ગયા હશે,
પણ દોસ્ત! આંખના કથનમાં ક્યાં કમી હતી?
એની અલગ છે વાત એ મારી ન થઈ શકી,
મારી તરફ ક્ષણો નહીં તો કંઈ ઢળી હતી.
સર્જી દીધાં છે, મારા વિશે કૈંક કોતરો,
મારા મહીં સતત વહી તે કઈ નદી હતી?
‘હ’ – હરીશનો હજી ભટક્યા કરે સતત,
ક્યારેક લોહીમાં તું જેને ઘૂંટતી હતી.



સ્રોત
- પુસ્તક : લગભગ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : હરીશ ધોબી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1985