lai shodh mari jyare - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લઈ શોધ મારી જ્યારે....

lai shodh mari jyare

દિલેરબાબુ દિલેરબાબુ
લઈ શોધ મારી જ્યારે....
દિલેરબાબુ

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,

તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,

કેટલાંય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,

માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,

પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

તારી ઓળખાણ હવે આપવી રહી,

મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,

તારા સ્મરણનું મીણ અહીં ઑગળ્યું હશે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • વર્ષ : 2007