વાત મારી જેને સમજાતી નથી
vaat maarii jene samjaatii nathii
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.
ગૂંજ તો ખુશબૂની પ્રસરે છે બધે,
ફૂલની રંગત ગઝલ ગાતી નથી.
એ જ મહેફિલ, એ જ મિત્રો, એ જ રંગ,
'હું નથી'ની ખોટ વર્તાતી નથી.
મેં રખડવું ક્યારનું છોડ્યું છતાં,
પણ હજી એ છાપ ભૂંસાતી નથી!
લાગણીના ધોધ વરસે છે બધે,
પણ કોઈની રૂહ ભીંજાતી નથી.
ભૂખ પણ બિન્દાસ્ત થાતી જાય છે,
એ ગમે ત્યાં હોય શરમાતી નથી!
પ્રેમની પણ યોજનાઓ થાય છે,
એટલે તો પ્રીત પંકાતી નથી.
ભાવ ઓછો કર ખલીલ! આ ભાવમાં
ભલભલી ચોપડીઓ વેચાતી નથી.



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 90)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000