kyaarek aevii riite kare chhe uchhat ran - Ghazals | RekhtaGujarati

ક્યારેક એવી રીતે કરે છે ઉચાટ રણ

kyaarek aevii riite kare chhe uchhat ran

આર. બી. રાઠોડ આર. બી. રાઠોડ
ક્યારેક એવી રીતે કરે છે ઉચાટ રણ
આર. બી. રાઠોડ

ક્યારેક એવી રીતે કરે છે ઉચાટ રણ,

વર્ષોથી જાણે જોઈ રહ્યું મારી વાટ રણ.

રાખે છે એક પ્યાસ સતત ચાલતો મને,

છે આમ દૂર દૂર સુધી રણ, અફાટ રણ.

જ્યોતિષ જુએ તો બીજું જુએ શું હથેળીમાં?

રેતીના ઢગ મળે કે, મળે ત્યાં સપાટ રણ.

પગલાંની કોઈ છાપ જરા જોઈ જાય તો—

થઈ જાય થનગનાટ અને રણઝણાટ રણ.

ભીની લાગણીને થયું શું, ખબર નહીં,

જાગ્યા કરે છે રાત અને ઘસઘસાટ રણ.

વધતી ઉમરની જેમ વધ્યો એક વસવસો,

વધતું ગયું છે કેમ ભીતર સડસડાટ રણ.

ઊડે છે વસ્ત્ર જેવું ડમરી છે ધૂળની,

રેતીના કણને ગૂંથી કરે છે વણાટ રણ.

ભૂલી શકું સાવ, ભલે યાદ ના કરું,

સપનામાં આવી રોજ કરે સળવળાટ રણ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ