kutuhalta ane anandni drishti rakh duniya par - Ghazals | RekhtaGujarati

કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર

kutuhalta ane anandni drishti rakh duniya par

મરીઝ મરીઝ
કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર
મરીઝ

કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર,

પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર.

ઉથલપાથલ હતી મારી બધી તારા સહારા પર,

કે દરિયાનાં જે મોજાં છે ફક્ત ઊછળે છે દરિયા પર.

નશામાં હોય છે સુખ દુઃખ જગતના એક કક્ષા પર,

શરાબીને આવે છે મજા સૂવાની રસ્તા પર.

અગર ડૂબી જનારામાં તડપ બાકી નથી રહેતી,

તો તોફાન જેવું શું વીતી જાએ છે દરિયા પર!

પ્રથમથી જો ખબર હોતે તો હું જીવી નહીં શકતે,

કે આખી જિંદગી વીતી જવાની છે ભરોસા પર.

નથી નિંદક હું દુશ્મન, હકીકતનો તમાચો છું,

હશે કહેવાનું મારે જે કંઈ કહેવાનો મોઢા પર.

કહે ઝાહેદ! નમાઝ અંગેનો તારો શું અનુભવ છે,

કે અમને તો કદી ગુસ્સોય આવે છે મદિરા પર.

અહીં અંગત અરજ કરતાં બહુ તકલીફ લાગે છે,

બહુ આરામમાં છે ભીખ જે માગે છે રસ્તા પર.

હવે આથી વધુ મારું પતન તો થઈ નથી શકતું,

કે સાકી! તને વિશ્વાસ આવે મારી તૌબા પર.

મને જોતો રહ્યો હું એમ તારી પાસ પહોંચીને,

નજર નાખે કોઈ પર્વત ઉપરથી જેમ દુનિયા પર.

જીવનની હર ઘડી છાયા છે આગામી પ્રસંગોની,

સવાર આવી ને બેસી જાય છે દરરોજ સંધ્યા પર.

હું બંનેનું કારણ છું - નિરાશા હો કે બદનામી,

ચૂપ રહેવાયું મોકા પર, કંઈ બોલાયું મોકા પર.

છતાં પણ ચાલનારાને બહુ તકલીફ લાગે છે,

જુઓ તો ખાસ કંઈ ગીરદી નથી ઈશ્વરના રસ્તા પર.

'મરીઝ' રમ્ય નાદાનીઓને મુદ્દત થવા આવી,

હવે પણ ખબર ક્યાં છે, હતી આશાઓ કોના પર!

'મરીઝ' એવા શરાબીની દશા સુધરી શકે ક્યાંથી?

શિખામણ આપનારો પણ હસે છે જેની તૌબા પર.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009