kashmirman ame - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાશ્મીરમાં અમે

kashmirman ame

ગની દહીંવાલા ગની દહીંવાલા
કાશ્મીરમાં અમે
ગની દહીંવાલા

જ્યાં બરફમાં ઓગળ્યા, વાદળમાં બંધાયા અમે,

હતો કુદરતનો ખેાળો ને હતા જાયા અમે.

શૃંગથી સરક્યાં અને ખીણોમાં ખોવાયા અમે,

મુગ્ધતાના છે કસમ, અમને દેખાયા અમે.

વાયરે વાતો કરીને વૃક્ષ હા ભણતાં રહ્યાં;

અમને લાગ્યું: સૂક્ષ્મ ચર્ચામાં ચર્ચાયા અમે.

કોઈ ઉત્કટ લાગણીનો એમ ફૂંકાયો પવનઃ

પાસ બેસી દૂરના ઝરણામાં ભીજાયા અમે.

શાંત સરવરનીર નૌકાને રહ્યાં પંપાળતાં,

એમાં હૈયાને હલેસે ખૂબ રેલાયા અમે.

વાદળાંરૂપી રજાઈ ઓઢતા રવિરાજ જ્યાં,

ચાંદનીના ચીર ઓઢી ગીત ત્યાં ગાયાં અમે.

મોગલાઇ બાગ, જયાં ધારા ભૂગર્ભેથી વહે,

કુદરતી જાજમ ઉપર ઢાળી દીધી કાયા અમે.

વ્હેણ જેલમનું નિહાળ્યું, ‘દલ’ની દીઠી સ્થિરતા,

એક ખોળેથી બીજા ખોળામાં મેલાયા અમે.

દીનદ્વારે લાલિમા દીઠી શિશુના ગાલ પર;

ક્ષીણ જીવતસી મથામણ જોઈ મૂંઝાયા અમે.

દૃષ્ટિએ આંખોમાં સુંદરતા ભરી દીધી, ‘ગની ’,

ઘેનમાં તૃપ્તિની, પાંપણ જેમ બીડાયા અમે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983