ક્ષિતિજનું મૃગજળ થૈ એમને રણમાં ચમકવાનું
kshitijnu mrugjal tai emane ran ma chamakavanu

ક્ષિતિજનું મૃગજળ થૈ એમને રણમાં ચમકવાનું
kshitijnu mrugjal tai emane ran ma chamakavanu
બેજાન બહાદરપુરી
Bejan Bahadarpuri

ક્ષિતિજનું મૃગજળ થૈ એમને રણમાં ચમકવાનું,
અમારે મૃગલા થૈ એમની પાછળ ભટકવાનું!
અમે તો પહાડના પાણા, અમારે શાપ સ્થિરતાનો,
અમારા પર સરિત્ થૈ એમને છલછલ સરકવાનું!
પિયુને સાનમાં કરવા ચહી'તી વાત હૈયાની,
જડ્યું કેવું બહાનું આય ચૂડીને રણકવાનું!
નશીલી એ નજર સામે સુરા પણ રાંક છે કેવી!
છલોછલ મયકદામાંથીય વીસરી ગૈ છલકવાનું!
અમસ્તી વાતમાં 'બેજાન' એવું શું પડ્યું વાંકું,
નથી એ નામ પણ લેતાં અહીં થૈને ફરકવાનું!



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 287)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ